WFTW Body: 

દરેક યુવાન વ્યક્તિ વહેલા કે મોડા અશુદ્ધ વિચારોથી પરીક્ષણમાં પડે છે. સ્ત્રીઓ કરતાં પુરુષોમાં જાતીય ઇચ્છા વધુ તીવ્ર અને વધુ આક્રમક હોય છે, સ્ત્રીઓ કરતાં પુરુષો આ સમસ્યાથી વધુ પીડાય છે. માર્ક 7:21 માં, ઈસુએ ભૂંડાં વિચારોને એવી પ્રથમ બાબત તરીકે સૂચિબદ્ધ કરી છે જે માણસોના હૃદયમાંથી નીકળે છે. બદલાણ નહિ પામેલા‌ બધાં માણસોના હૃદય સમાન રીતે દુષ્ટ છે અને તેથી ઈસુએ આપેલું વર્ણન બધાં માટે ખરું છે. અશુદ્ધ વિચારો નૈતિક રીતે પ્રામાણિક માણસના મનને વ્યભિચારી વ્યક્તિના મનની જેમ જ દુષિત કરે છે - ભલે તકનો અભાવ અને સમાજનો ડર પ્રામાણિકને દેહમાં વ્યભિચાર કરતા અટકાવતો હોય.

જો કે આપણે પરીક્ષણ અને પાપ વચ્ચે તફાવત સમજવાની જરૂર છે. ઇસુનું પણ પરીક્ષણ "આપણી જેમ દરેક રીતે" કરવામાં આવ્યું હતું (હિબ્રૂઓને પત્ર 4:15). પરંતુ તેઓ ક્યારેય પરીક્ષણમાં પડ્યા નહિ (તેમના મનમાં પણ નહિ) અને તેથી ક્યારેય પાપ કર્યું નહિ. આપણને પણ પૃથ્વી પરના આપણા જીવનના છેલ્લા દિવસ સુધી પરીક્ષણ આવશે. પણ આપણે પાપ કરવાની જરૂર નથી. આપણે ત્યારે જ પાપ કરીએ છીએ જ્યારે દુર્વાસનાને આપણા મનમાં ગર્ભ ધારણ કરવાની મંજૂરી આપવામાં આવે છે (યાકૂબનો પત્ર 1:15), એટલે કે, જ્યારે આપણે આપણા મનમાં આવતા વાસનાપૂર્ણ વિચારને સ્વીકારીએ છીએ ત્યારે. જો આપણે તે જ સમયે સૂચનનો અસ્વીકાર કરીએ, તો આપણે પાપ કરતા નથી. જેમ કે એક વૃદ્ધ પ્યુરિટને (ચુસ્ત ખ્રિસ્તી અને નૈતિક સિદ્ધાંતો શીખવનાર) કહ્યું હતું, "હું પક્ષીઓને મારા માથા પર ઉડતા અટકાવી શકતો નથી, હું તેમને મારા વાળમાં માળો બનાવતા અટકાવી શકું છું". જ્યારે કોઈ દુષ્ટ વિચાર આપણા મનમાં આવે છે ત્યારે જો આપણે તેને આપણા મનમાં એક ક્ષણ માટે પણ રહેવા દઈએ, તો આપણે તેને ત્યાં "માળો બનાવવા"ની મંજૂરી આપીએ છીએ અને તેથી પાપ કરીએ છીએ.

એક વાર વાસનાયુક્ત વિચારોમાં પ્રવૃત્ત થઈ ગયા પછી તે, વ્યક્તિને વધુને વધુ ગુલામ બનાવશે. સમય પસાર થતા તેમાંથી છુટકારો વધુને વધુ મુશ્કેલ બનતો જાય છે. જેટલી વહેલી તકે આપણે છુટકારો મેળવીશું તેટલું તે સરળ રહશે. દુષ્ટ વિચારો પર વિજય (અન્ય તમામ પાપ પર વિજયની જેમ) નિષ્ફળતાની પ્રામાણિક કબૂલાત, છુટકારાની વાસ્તવિક ઝંખના, ખ્રિસ્ત સાથે આપણે મરણ પામ્યા તે હકીકતનો સ્વીકાર અને આપણું શરીર અને મન સંપૂર્ણ રીતે ઈશ્વરને સોંપવા દ્વારા પ્રાપ્ત થાય છે (રોમનોને પત્ર 6:1-14).

જો આપણે સતત વિજયનો આનંદ માણવો હોય તો આપણે "આત્મામાં ચાલવું" જોઈએ અને ઈશ્વરને આપણા જીવનને શિસ્તબદ્ધ બનાવવામાં સહકાર આપવો જોઈએ (ગલાતીઓને પત્ર 5:16-19). જો આપણે આપણી આંખો અને કાનને શિસ્તમાં રાખવામાં નિષ્ફળ જઈશું (વાસનાપૂર્ણ હોય તે તમામ વાંચવું અને જોવું અને સાંભળવાનું બંધ કરવું તે), તો આપણે આપણા વિચારોને પણ શિસ્તબદ્ધ કરી શકીશું નહીં (આ માથ્થી 5:28-30 નો ખરો અર્થ છે). લંપટ વિચારોમાંથી મુક્તિ માટે શરીરનું શિસ્ત જરૂરી છે. મહાન સંતોએ કબૂલાત કરી છે કે તેઓએ તેમના મનમાં જાતીય પરીક્ષણ સામે સતત યુદ્ધ કરવું પડ્યું હતું. વિજય મેળવવા માટે તેઓએ તેમના શરીરને સખત રીતે શિસ્તબદ્ધ કરવું પડ્યું હતું.

અયૂબ, દસ બાળકો સાથે પરિણીત માણસ હોવા છતાં, તેણે જાણ્યું કે જો તેણે લંપટ વિચારસરણીમાંથી છુટકારો જોઈતો હોય, તો તેણે તેની આંખો પર કાબૂ રાખવો પડશે. તેણે કહ્યું, "મેં મારી આંખો સાથે કરાર કર્યો છે, મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ?" (અયૂબ 31:1). પુરુષો માટે, સૌથી મોટું પરીક્ષણ આંખો દ્વારા આવે છે. જો અહીં કાળજી લેવામાં ન આવે અને એક અશુદ્ધ વિચાર અથવા ચિત્રને આંખના દ્વારથી આપણા મગજમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે, તો તેને ત્યાંથી દૂર કરવું લગભગ અશક્ય બની જાય છે.

આપણે દરરોજ આપણા મનને ઈશ્વરના વચનથી ભરવું જોઈએ - કારણ કે આ રીતે ઈશ્વરના વચનથી આપણા મનને સંતુષ્ટ કરવું એ દુષ્ટ‌ વિચારસરણી સામેની એક નિશ્ચિત સુરક્ષા છે. દાઉદે કહ્યું, "હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હ્રદયમાં રાખી મૂક્યું છે" (ગીતશાસ્ત્ર 119:11). બાઇબલ એમ પણ કહે છે, "જો તમે ઈશ્વરની મંજૂરીની કદર કરો છો, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો" (ફિલિપ્પીઓને પત્ર 4:8).

કેટલાક કહેશે કે આપણી આસપાસની દુનિયામાં નૈતિકતાનું પ્રવર્તમાન ધોરણ એટલું નીચું છે કે અશુદ્ધ વિચારોથી સંપૂર્ણપણે મુક્ત થવું મુશ્કેલ છે. પરંતુ આ સ્થિતિ ફક્ત વીસમી સદીની જ નથી. પ્રથમ સદીમાં કરિંથી લુચ્ચાઈ અને અનૈતિકતાનું કેન્દ્ર હતું, તેમ છતાં ઈશ્વરના આત્માએ ત્યાંના ખ્રિસ્તીઓને વિનંતી કરી કે તેઓ તેમના દરેક વિચારોને ખ્રિસ્તની આધીનતામાં લાવે (કરિંથીઓને બીજો પત્ર 10:5). તે આજે પણ આપણને એવું જ કરવાનું કહે છે. જીવનનો માર્ગ સાંકડો અને મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ પવિત્ર આત્મા આપણને તે માર્ગે ચાલવા માટે સામર્થ્ય આપી શકે છે.

આ રીતે આપણા જીવનને શિસ્તબદ્ધ કરવાનો અર્થ એ નથી કે આપણે વિજાતીય વ્યક્તિ પ્રત્યે અણગમો કેળવવો જોઈએ. તેનાથી ઉલ્ટું! હકીકત એ છે કે આપણને વિજાતીય વ્યક્તિ આકર્ષક લાગે છે તે બાબત પાપ નથી. તે તદ્દન સ્વાભાવિક છે. ઈશ્વરની સુંદર રચનાના એક ભાગ તરીકે સુંદર ચહેરાની પ્રશંસા કરવી આપણા માટે ખોટું નથી. પરંતુ પતિત જીવો હોવાને કારણે, જો આપણે સાવચેત નહીં રહીએ, તો આપણે ટૂંક સમયમાં સુંદર શરીરની નોંધ લેવાનું શરૂ કરીશું અને પછી વાસના. આમ વિજાતીય વ્યક્તિનું આકર્ષણ, પોતે શુદ્ધ બાબત હોવા છતાં, આપણા માટે અશુદ્ધ વિચારસરણીની ઘટના બની શકે છે.

જ્યારે આપણી અંદરનો પવિત્ર આત્મા આપણને તપાસે છે અને આપણને આપણી આંખો અને આપણા વિચારોને બીજી દિશામાં ફેરવવાનું કહે છે ત્યારે તેમના અવાજનું તરત જ પાલન કરવામાં આપણી સલામતી રહેલી છે. આપણે વારંવાર પ્રાર્થના પણ કરવી જોઈએ કે, "પ્રભુ, મને (આ ક્ષેત્રમાં) એવા પરીક્ષણમાં પડવા ન દો કે જેના પર હું વિજય મેળવી શકું નહીં." આવી પ્રાર્થના નિષ્ઠાપૂર્વક કરવાથી ઘણા યુવાનોએ વિજય મેળવ્યો છે.